અમદાવાદના વેપારી KYC અપડેટ કરવાના બહાને છેતરાયા છે. મોબાઈલ પર લિંક આવતાં ઓપન કરી વિગતો આપતા રૂપિયા 91 હજાર ઉપડી ગયા હતા. આ મામલે વેપારીએ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
- અમદાવાદના વેપારી સાથે ઓનલાઈન ઠગાઈ
- ચાર ટ્રાન્ઝેક્શનમાં 91 હજાર કપાઈ ગયા
- બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
હવે લોકો કેશલેસ અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને વધુ મહત્ત્વ આપી રહ્યાં છે. બીજી તરફ, સક્રિય થયેલા સાયબર-ગઠિયાઓ લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી રહ્યા છે. આ સાયબર-ગઠિયાઓ સામે પોલીસનો પનો ટૂંકો પડી રહ્યો છે. હાલ દેશભરની પોલીસ માટે સાયબર ફ્રોડને અટકાવવો સૌથી મોટો પડકાર છે. આ જ કારણથી દેશભરમાં સાયબર ક્રાઈમ પોલીસ મથકોની શરૂઆત કરવામાં આવી છે. પરંતુ તેને કારણે સાયબર ફ્રોડની ઘટનાઓમાં ઘટાડો થયો નથી. તેને બદલે આ પ્રકારની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે. ત્યારે અમદાવાદથી વધુ એક સાયબર ફ્રોડનો બનાવ સામે આવ્યો છે. અમદાવાદના વેપારી સાથે KYC અપડેટના નામે છેતરપિંડી થઈ છે. જેની ફરિયાદ તેમણે બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.